સારાંશ ૧૧
બિસ્મિલ્લાહ હિર્રહમાન નિર્રહિમ
કિતાબ : અલ ગયબતે નોમાનીનો સારાંશ
લેખક : મોહમ્મદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાઅફર અન નોમાની
પ્રકરણ ૧૬ અને ૧૭ નો સારાંશ
પ્રકરણ : ૧૬
આ પ્રકરણમાં ઇમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુરનો સમય નિશ્ચિત કરવાની મનાઈ બાબતની હદીસો છે.
મહંમદ ઈબ્ને મુસ્લિમ રિવાયત કરે છે કે ઇમામે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું :
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ના ઝુહુર નો સમય નિશ્ચિત કરનાર ને તમે તુરત જ રદિયો આપો, કારણ કે અમે અમારા તરફથી એમના ઝુહુરનો કોઈ સમય નિશ્ચિત કર્યો નથી.
અન્ય એક હદીસમાં ઇમામે સાદિક (અ.સ.) મહંમદ બિન મુસ્લિમ ને કહ્યું :
અય મહંમદ, જે કોઈ હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના ઝૂહુરના સમય બારામાં અમારાથી કોઈ હદીસ બયાન કરે તો તેને જૂઠો સમજવામાં સહેજે ખચકાટ કરશો નહીં , કારણ કે અમે કોઈને સમય બતાવ્યો નથી.
(સંદર્ભ: તુસી ની અલ ગયબા માંથી, પા. ન. ૪૨૬)
પ્રકરણ : ૧૭
આ પ્રકરણમાં ઇમામ (અ.ત.ફ.શ.) ના ઝુહુર પછી જાહિલ અને અભણ લોકોની પ્રવૃત્તિઓ ના કારણે ઉભી થનારી મુશ્કેલીઓ વર્ણવવામાં આવેલ છે.
ઇમામે સાદિક (અ.સ.) એ કહ્યું :
જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે, તેમને જાહિલ લોકો સાથે પાલો પડશે,
તેમનાથી પડતી આફતો રસુલુલ્લાહ (સ.અ.વ.વ.) ને કાફીર અરબોથી પડેલ મુસીબતો કરતા વધારે સખ્ત હશે
રાવી એ પ્રશ્ન કર્યો : આ કઈ રીતે શક્ય છે?
ઇમામે જવાબ આપ્યો :
ખરેખર, પવિત્ર પયગંબર (સ.અ.વ.વ.) તે સમયે આવ્યા જયારે લોકો પથ્થર અને કાષ્ટની બનેલી
મૂર્તિઓની પૂજા કરતા હતા, પરંતુ જયારે અમારા કા’એમ (અ.ત.ફ.શ.) નો ઝુહુર થશે ત્યારે ઉમ્મત કિતાબુલ્લાહ પર યકીન કરતી હશે પરંતુ તેઓ તેનું અર્થઘટન કિતાબ કહે છે તેનાથી તદ્દન વિપરીત કરતા હશે અને આપ (અ.ત.ફ.શ.) સાથે કિતાબ થકી વિવાદ કરશે. પછી ઇમામે ફરમાવ્યું, જાણીલો કે તેઓ (અ.ત.ફ.શ.) નો ન્યાય દરેક ઘરમાં એવી રીતે દાખલ થશે જે રીતે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડક ઘરોમાં દાખલ થાય છે.
(સંદર્ભ : બેહારૂલ અનવાર, ભાગ : ૫૨, પાના : ૩૬૨)