આવો આપણે આપણા ઇમામ (અ.સ.)ની મારેફત મેળવીએ
પવિત્ર દિને ઇસ્લામ અને આપણા પવિત્ર ઇમામો (અ.મુ.સ)એ આપણને હંમેશા વધુ અને વધુ ઈલ્મ હાસિલ કરવાની અને વાંચવાની તાકીદ કરી છે.
આ માટે અમે આ વિચાર લાવ્યા છીએ કે જેમાં કિતાબોના પ્રકરણનો ટૂંકસાર સાંભળી શકાય, અને આ રીતે ન ફક્ત શ્રોતાઓનો સમય અને મહેનત બચશે બલકે શ્રોતા ટૂંકા સમયમાં કઈક નવું શીખી શકે છે. અને આપણી ખીલ્કતનો મકસદ જ આપણા ઇમામની મારેફત મેળવવી છે તેથી અમે ઇન્શાલ્લાહ દર અઠવાડિયે 2 – 3 પ્રકરણનો ટૂંકસાર આપણા ઝમાનાના ઇમામ (અ.સ.)ના વિષયમાં લખાએલી કિતાબોમાંથી રજુ કરીશું.
દર શુક્રવારે ઇન્શાલ્લાહ અમો લેખિત ટૂંકસાર અને ઓડીઓ રજુ કરીશું જે 5-7 મિનિટનો રહેશે.
અમે કિતાબ અલ ગયબહ કે જે મહાન આલીમ મોહંમદ ઈબ્ને ઇબ્રાહિમ બિન જાફર (અલ નોઅમાની)એ લખેલી છે તેનાથી શુરુ કરી રહ્યા છીએ.
કિતાબનો પરિચય
કિતાબનું નામ : અલ ગયબહ
લેખકનું નામ : મોહમ્મદ બિન ઇબ્રાહિમ બિન જાફર (અલ નોઅમાની)
તેમનું નામ ચોથી સદી હિજરીના હદીસવેત્તાઓમાંથી છે. તેઓ ઇસ્લામના સ્તંભ શેખ યાકૂબ અલ કુંલયની (કે જેમની કિતાબ અલ કાફી શિયાઓની ચાર મુખ્ય કિતાબોમાંથી એક છે) ના વિદ્યાર્થી હતા. અને આપ શૈખ કુલૈની પાસેથી હદીસોનું ઈલ્મ શીખ્યા હતા. આપને શૈખ કુલૈની દ્વારા હદીસો લખવાનો શરફ હાસિલ થયો હતો અને આ માટે તેઓ અલ કાતિબ તરીકે ઓળખાય છે
આ કિતાબ “કિતાબુલ ગયબહ” જે “ગયબત એ નોઅમાની” તરીકે પ્રખ્યાત છે જેમાં કુલ 26 પ્રકરણ છે :
પ્રકરણ 1
આ પ્રકરણમાં 58 હદીસો છે અને તેમાં અહલેબૈત (અ.મુ.સ.)ના રહસ્યોને નાકાબિલ લોકોથી છુપાવાના વિષયમાં વાત કરવામાં આવી છે. જેમેકે મોઅતઝેલા કે જે અમીરુલ મોમેનિન (અ.સ્.)ની સર્વોપરિતાને તો માને છે પણ તેઓનું માનવું એમ પણ છે કે કોઈ પણ અયોગ્ય વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિની ઉપર ચૂંટાઈ શકે છે (અલ્લાહ દ્વારા).
‘ તેઓ કે જેઓ હક્ક તરફ હિદાયત કરે છે તે વધારે ઇતાઅતને લાયક છે પછી તે કે જેની હિદાયત ન કરવામાં આવે ત્યાંસુધી તે હિદાયત ન પામે તે (ની ઇતાઅત કરવામાં આવે)?’ સુ. યુનુસ-૩૫
મોઅતઝેલા હોય કે અશાએરા કે બીજા દુશ્મને અહલેબૈત (અ.મુ.સ.) – તેઓ દરેક આંધળા અને પક્ષપાત કરવા વાળા છે. તે લોકો હકને બાતિલથી અલગ નથી કરી શકતા. આથી એ જરૂરી છે કે આવી હદીસોને આવા લોકો સામે પ્રસ્તુત કરવામાં ન આવે, નહીંતર આવા લોકો અલ્લાહ, અલ્લાહના રસુલ અને પવિત્ર ઇમામો (અ.મુ.સ.)ને રદ્દ કરવાથી લઇને તેમના વિરોધી બનવા સુધી જઈ શકે છે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:
“અમુક લોકો મને પોતાનો ઇમામ માને છે પરંતુ બેશક હું તેઓનો ઇમામ નથી. અલ્લાહની લાનત થાય આવા લોકો ઉપર! કેમકે હું જે વાતને છુપાવું છું તેઓ એ વાતને જાહેર કરે છે. હું કહું છું કે “પેલો અને પેલો (કોઈનું પણ નામ લીધા વિના) અને તેઓ કહે છે કે ખરેખર ઇમામના કહેવાનો મતલબ ફલાણો અને ફલાણો વ્યક્તિઓ છે અને તેઓ તે લોકોના નામ જાહેર કરે છે.” પછી ઇમામ (અ.સ.) ફરમાવે છે કે, “ખરેખર હું તેઓનો ઇમામ છું જે મારી આજ્ઞા પાળે છે.”
(અલ ગયબહ ; પ્રકરણ 1, હદીસ 8)